Limbach Dham Antisara - Nirman Saga

"વર્ષોની પ્રતિક્ષાનો અંત આજે આવ્યો છે,
પેઢીઓનો પરિશ્રમ રંગ આજે લાવ્યો છે,
અતિસરની ધરા પર માં નો દરબાર સજાયો છે,
લિંબચ સમાજની એકતાનો ડંકો આજે વાગ્યો છે"

પૂપુર્વજના સંસ્કાર અને આપણી સનાતન આસ્થાને મંદિરનું સ્વરૂપ મળ્યું એ ઘટનાના આપણે સૌ સાક્ષી છીએ. અરવલ્લીની ગિરીમાળાઓ અને મેશ્વો - માજુમ જેવી નદીઓના કિનારાના પ્રદેશમાં વસેલો ‘મોડાસીય જૂથ લિંબચ સમાજ' મોટાભાગે પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલો છે. કળાની સાથે નિરંતર ઉદ્યમના જીવનમંત્ર અને પુર્વજોની અતૂટ શ્રધ્ધાને લીધે આજે સમાજ બે પાંદડે થયો છે. શિક્ષણ વધ્યું અને તેની સાથે દ્રષ્ટિ પણ વિકસી, જેના લીધે અનેક ક્ષેત્રોમાં આપણા સમાજના યુવા-વડીલ ભાઈઓ - બહેનો કાર્યરત છે. આ તમામની સમગ્ર અસર એટલે લિબચ ધામ અંતિસર....!

આજથી ૧૫ વર્ષ પુર્વે સમાજના અગ્રણીઓએ ધનસુરા ખાતે ૧૩ ગૂંઠા જેટલી જમીન ખરીદી પણ સમાજની જરૂરિયાત અને અપેક્ષા મુજબ આ જગ્યા અપૂરતી જણાઈ. મા લિંબચે જાણે આપણી અનુભૂતિ સાંભળી હોય એમ ધનસુરા - મોડાસા હાઈવે જેવી મોકાની જગ્યા પર ત્રણ વિદ્યા જેટલી જગ્યા સમાજને સહજ પ્રાપ્ત થઈ અને આપણા સૌ માં પ્રાણ પૂરાયો. આપણા વિચારોથી પણ ઉપર કેટલાક કામો કલ્પના બહાર થવા લાગ્યા. આપણી શક્તિથી ઉપર પણ માં ની કૃપા અવિરત વરસતી હોવાની અનુભૂતિ થતાં સમાજના અગ્રણીઓનું સંકલ્પબળ વધતું ગયું. એક નાનકડો અને સિમિત સંસાધનો ધરવાતો સમાજ કેમ કરીને આટલું વિશાળ આયોજન કરી શકશે ? એવો ડર ક્યાંય હતો નહી. જે થઈ રહ્યુ હતું એ માત્ર સહજ બની નિજાનંદની અનુભૂતિ સાથે થઈ રહ્યુ હતુ.

જમીન પર હવે મંદિર નિર્માણનું વિચારબીજ રોપાયું. જમીનના કયા સ્થાને મંદિર નિર્માણનું ખાતમુહૂર્ત કરવું ? એક દ્વિધા હતી પણ લીમડાના ઝાડે જાણે દિશા બતાવી કામ સરળ કર્યું । મા લિબંચનું પ્રાગટ્ય પણ લીમડામાંથી જ થયાનું પુરાતન સત્ય ફરી ઉજાગર થયું અને ત્યાં જ મંદિર નિર્માણ કરવાનું નક્કી થયું. આ બધુ જ મા ની દિવ્ય દ્રષ્ટિ અને ઇચ્છા મુજબ થઈ રહ્યુ હતું. સમાજમાં ચેતનાનો પ્રવાહ સંચારીત થઈ રહ્યો હતો અને વડીલો - યુવાઓ પણ સંકલ્પિત થઈ રહ્યા હતા. જેના પરિણામે અનન્ય ઉત્સાહ વચ્ચે ૦૮ ફેબ્રુઆરી, ૨૦૨૩ ના દિવસે માં લિંબચના ભવ્ય મંદિરની ઈંટ મુકાઈ. આરાધ્ય શક્તિના ધામમાં સૌનો ભાગ અનિવાર્ય હતો પણ અતિ ભવ્ય અને દિવ્ય સ્થાપત્ય નિર્માણ સારું મંદિર શિલાન્યાસના દિવસે જ ઉછામણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો. મંદિર નિર્માણ સમિતિની અપેક્ષા કરતાં દસ ઘણું ( ૫૪ લાખ) જેટલું દાન એ જ દિવસે એકત્ર થયું અને આપણી સૌ ની ભાવના પણ દ્રઢ થતી ગઈ. ખરેખર એ ક્ષણો અદભુત અદ્વિતિય અને અવિસ્મરણીય હતી. હવે... મંદિર સ્થાપનની પ્રક્રિયા રૂપે શિલ્પીની શોધખોળ આદરી. પહેલા ધાંગધ્રા અને પછી મુલ્યવાન બંસીપાલ શિલાઓનો ઉપયોગ કરવાનું નક્કી થયું. આપણી સહિયારી શક્તિના સુંદર પરિણામ સ્વરૂપ લિંબચ ધામ બે જ વર્ષમાં તૈયાર થયું. કુળદેવીની ગતિ- પ્રતિ પ્રમાણે આપણી વિચાર શક્તિ કરતા રૂડું થઈ રહ્યું હતું. વારંવાર કહેવાનું મન થાય કે આપણી કેવળ સાક્ષીભાવ અદભુત બની રહ્યો હતો.

મા લિબંચની પ્રતિષ્ઠાનો રૂડો અવસર હવે નજીક આવી રહ્યો હતો. જોગાનુજોગ મોડાસા જૂથના બધા જ ગામોથી વચ્ચેના અંતરે મા બિરાજમાન થવાના હતા અને આ ઉત્સવનો ઘંટારવ રણકી રહ્યો હતો. આવા જ હર્ષોલ્લાસના ભાવ વચ્ચે ૨૧ ઓક્ટોબર, ૨૦૨૫ ના દિવસે બીજી ઉછામણીનો કાર્યક્રમ થયો અને ફરીવાર ૪૫ લાખ જેટલું દાન એકત્રિત થતા સમાજ ચેતનાની દ્રઢતા પુન: સબિત થઈ. પરંપરાઓથી આપણો સમાજ ફાગણ સુદ પાંચમે મા નો પ્રાગટ્ય દિવસ ઉજવતો આવ્યો છે અને જોગાનુજોગ એ દિવસે જ લિંબચધામની પ્રાણ પ્રતિષ્ઠાનું મુહુર્ત આવ્યું. *જમીન ખરીદીથી માંડીને અત્યાર સુધી જાણે મરજી જ ચાલી હોય તેમ રર ફેબ્રુઆરી, ૨૦૨૬ ને ફાગણ સુદ પાંચમે આપણો રૂડો અવસર નિરધાયો.

પ્રાણ પ્રતિષ્ઠા માટે સૌ જ્ઞાતિબંધુઓ ખભે ખભો મીલાવીને જરૂરિયાતો માટે આયોજનબધ્ધ કાર્ય કરી રહ્યા છે. સમાજના આર્થિક સધ્ધર બંધુઓ તો દાનની સરવાણી વહાવી રહ્યા છે અને સાથે સમાજનો નાનામાં નાનો વ્યક્તિ પણ રામસેતુ બનાવવામાં ખિસકોલીની ભાવનાની જેમ વર્તી રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ૧૦ હજાર લોકોના ભોજનનું આયોજન થઈ રહ્યુ છે ત્યારે ત્રણ દિવસના ભોજન માટે સમાજના કેટલાક દાતાઓએ "માં લિંબચ ભરોસે" દાન આપ્યુ. માં ની કૃપા તો જુઓ એનાં સંતાન જમશે અને એમાં કોઈ વ્યક્તિના સહયોગનું નામ નથી. આવી ઉત્કૃષ્ટ પ્રેરણા આપનારી કુળરક્ષિતા દેવીને કોટિ કોટિ વંદન...!

સમાજના દરેક ગામમાં આદ્યશક્તિ મા લિંબચની પ્રાણ પ્રતિષ્ઠાનું તેડું કુમકુમ પત્રિકારૂપે આવ્યુ છે. માં રથ ઉપર આરૂઢ થઈ આપણા ગામમાં આવ્યા છે. સમાજનું એકત્વ જ માં ની પ્રેરણાશક્તિ છે.

આવો...! ભક્તિ અને શક્તિના આ મહાપર્વમાં મા લિંબચની આરાધના સાથે બંધુત્વના ભાવને વધુ મજબૂત બનાવીએ. મળીએ છીએ આપણી માં ના આંગણે...!

Modasa Group Limbach Seva Samaj Trust

Nayi Amrutlal Dhulabhai

President (Dudharwada)

Valand Dhulabhai Mangalbhai

Vice President (Dhansura)

Limbachiya Dahyabhai Shankarbhai

Hon. Auditor (Rajpur)

Valand Ramabhai Bababhai

Exe. Com. Member (Lalino Math)

Valand Hareshbhai Shamalbhai

Exe. Com. Member (Dhankhrol)

Nayi Hariprasad Hiralal

Exe. Com. Member (Bayal)

Valand Nileshbhai Kachrabai

Exe. Com. Member (Kokapur)

Valand Pareshbhai Somabhai

Exe. Com. Member (Bherunda)

Valand Ramanbhai Somabhai

Secretary (Nana)

Sharma Kantibhai Punjabhai

Joint Secretary (Butal)

Nayi Amrutbhai Prabhubhai

Exe. Com. Member (Punsari)

Valand Amrutbhai Kodarbhai

Exe. Com. Member (Modasa)

Valand Keshavlal Shamaldas

Exe. Com. Member (Talod)

Valand Manubhai Lalabhai

Exe. Com. Member (Dhansura)

Valand Ramanbhai Khemabhai

Exe. Com. Member (Nava)

Valand Jashubhai Kachrabai

Exe. Com. Member (Medhasan)